ઓઢવમાં લાકડાનું ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં સોમવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ફાયરબ્રિગેડે અઢી લાખ લિટર પાણીનો મારો ચલાવીને છ કલાકની જહેમતભરી કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઓઢવમાં સોનીની ચાલી પાસે આવેલા પન્ના એસ્ટેટની બાજુના નરનારાયણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શેડનંબર 12માં લાકડાનું ફર્નિચર બનાવતી કંપનીમાં સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ એસ્ટેટના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
બીજી તરફ ફાયરબ્રિગેડ અને પોલીસને પણ આગની જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે 12 ગાડી સાથે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે લાકડાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી બાજુ આગ જોવા માટે લોકોનાં ટોળાં વળ્યાં હોવાથી પોલીસે લોકોને સમજાવીનેસમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડે લગભગ 2.5 લાખ લિટરથી પણ વધુ પાણીનો મારો ચાલુ રાખીને 6 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.