કોરોનાના કારણે નોકરી – ધંધા ગુમાવનારા પરિવાર તેમજ શ્રમજીવી પરિવારના બાળકો આર્થિક સંકડામણ વચ્ચે પણ ભણી શકે અને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે બાપુનગરની શ્રી બાલ કૃષ્ણ પ્રાથમિક શાળાએ પોઝિટિવ પહેલ કરી છે. આ સ્કુલે જુનીયર કેજી, સિનિયર કેજી અને ધોરણ- 1 માં પ્રવેશ મેળવનારા 250 બાળકોની વર્ષની 15.75 લાખ ફી માફ કરી દીધી છે.
બાપુનગર અંબર સિનેમા પાસે 1955 થી કાર્યરત શ્રી બાલ કૃષ્ણ પ્રાથમિક શાળાના સંચાલક બી.કે.રાવલે જણાવ્યું કે, તેમની સ્કૂલમાં જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ – 1 ના 2 – 2 કલાસ છે. જેમાંથી સિનિયર અને જુનિયર કેજીમાં 150 જ્યારે ધોરણ- 1 માં 100 વિદ્યાર્થી દર વર્ષે એડમિનશન લે છે. જેમાંથી સિનિયર કેજી અને જુનિયર કેજીની વર્ષની ફી રૂ.5500 છે જ્યારે ધોરણ 1 ની ફી રૂ.7500 છે. શ્રી બાલ કૃષ્ણ સ્કૂલે ચાલુ વર્ષે જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ – 1 માં પ્રવેશ લેનારા 250 બાળકોની આખા વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે.
જો કે હાલમાં 7 જૂનથી સ્કૂલ ઓન લાઈન શરૂ કરી દેવાઈ છે. જો કે એડમિશન લેવા આવનારા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. કાલુપુરની વી આર શાહ સ્મૃતિ આદર્શ પ્રાથમિક સ્કૂલે બાળ વર્ગથી ધોરણ આઠના આશરે 700 બાળકોને 30 ટકા ફી માફીની જાહેરાત કરી દીધી છે. સ્કૂલની વર્તમાન શૈક્ષણિક સત્ર 2021-2022ની નિયત રૂ.5000થી રૂ. 15,000 સુધીની ફીમાં 30 ટકા ઘટાડો કરાશે.