કોરોનાની પહેલી લહેર બાદ જ્યારે મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સ શરૂ થયાં ત્યારે જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ નવી ફિલ્મો રિલીઝ થઈ હતી.
એસોસિએશન મુજબ ત્યારે માત્ર 25 ટકા જેટલા લોકો જ થિયેટરમાં આવતા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર આવતા થિયેટરોએ બંધ રાખવાનું નક્કી કર્યું હતું. મલ્ટિપ્લેક્સ એસોસિયેશનનું કહેવું છે કે, ‘સરકારે આશ્વાસન આપ્યું છે કે જેમ ધીમે-ધીમે બધુ શરૂ થયું તેમ થિયેટરો પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જો થિયેટર્સ શરૂ થશે તો પણ એક-બે અઠવાડિયા પછી લોકો આવશે. શહેરમાં આવેલા કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં આશરે 350 કરોડનું નુકસાન થયું છે’. હાલ થિયેટર્સ બંધ છે પણ અમારે તો દર મહિને 5 લાખ રૂપિયા મેન્ટેનન્સ માટે જુદા રાખવા પડે છે. જો થિયેટર્સ શરૂ થઈ જશે તો પણ મૂવી જોનારા લોકો તરત થિયેટર તરફ નહીં વળે. કોરોનામાં ગુજરાતમાં થિયેટર્સને આશરે 1200 કરોડનું નુકસાન થયું છે.