કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને ગુજરાત સરકારે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીજી લહેરમાં દરમિયાન બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની બાબતોને લઈને લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી લહેરની નિષ્ફળતામાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે હવે ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે વિસ્તૃત રણનીતિ જાહેર કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વિવિધ તૈયારીઓની ઘોષણા કરી હતી. સરકારે ત્રીજી લહેરનો સામનો કરવા માટે મે મહિનાથી જ એક્શન પ્લાન તૈયાર કરી દેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનો દાવો કર્યો હતો.
સરકારે ટાસ્ક ફોર્સના નિષ્ણાંતો, જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા સરકારી હોસ્પિટલના ડૉક્ટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ એક્શન પ્લાનને આખરી ઓપ આપ્યો હતો. એક્શન પ્લાનના ભાગરૂપ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર અને અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉભી કરાયેલી હોસ્પિટલોની તર્જ પર અન્ય વિસ્તારોમાં ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલો ઉભી કરાશે. તથા આગામી ત્રણ મહિનામાં રાજ્યની 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટીંગની સુવિધા ઉભી કરાશે તથા રાજ્યની ટેસ્ટિંગ કેપીસીટ રોજના 1.25 લાખ ટેસ્ટની થશે. આ સાથે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ પણ ઝડપથી ભરવાનો નિર્ણય કર્યો છે.