આપ નેતા સંજય સિંહ અને સમાજવાદી પક્ષના નેતા પવન પાંડેએ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ પર અયોધ્યામાં જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો કર્યાના બીજા દિવસે કોંગ્રેસ સહિત વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે
અને સુપ્રીમ કોર્ટના નિરિક્ષણમાં આ બાબતની તપાસ કરવા માગણી કરી છે. બીજીબાજુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય છે. તેથી ન્યાસ ટ્રસ્ટે આ આરોપો અંગે ખુલાસો આપવો જોઈએ. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ આ મુદ્દે બોલવું જોઈએ.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાંથી રામભક્તો પાસેથી એકત્ર કરાયેલા ભંડોળનો દુરુપયોગ કરવાનું આ મોટું કૌભાંડ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપવો જોઈએ કે કથિત કૌભાંડીઓને તેમનું રક્ષણ છે કે કેમ? કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પગલે ગયા વર્ષે ૫મી ફેબુ્રઆરીએ ભગવાન રામના મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરાઈ હતી. મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી કરોડો રામભક્તોએ દાન આપ્યું છે. આ ભંડોળની રકમમાંથી મોટું કૌભાંડ કરાયું છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પગલે ટ્રસ્ટની રચના કરનારા વડાપ્રધાન સંપૂર્ણપણે ચૂપ છે. ભગવાન રામના નામે ભાજપના નેતાઓ આવી છેતરપિંડી કેવી રીતે કરી શકે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ બાબતે સુઓમોટો લેવી જોઈએ અને સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ આ કૌભાંડની તપાસ થવી જોઈએ. વધુમાં દાનમાંથી ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી બધી જ જમીનનું મૂલ્યાંકન થવું જોઈએ.