નવનિયુક્ત એડિ. ચીફ સેક્રેટરીએ લીધી અચાનક મુલાકાત, રસીકરણનો વ્યાપ વધારવા અધિકારીઓને તાકીદ કરાઇ.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવનિયુક્ત એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન મનોજ અગ્રવાલે રસીકરણનો વ્યાપ વધારવા માટેની વ્યૂહરચના ઘડવા અધિકારીઓને તાકીદ કરી છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવનિયુક્ત એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ દ્વારા વિવિધ વિભાગના વડાઓ સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરી આરોગ્ય-શિક્ષણક્ષેત્રની ગતિવિધિ અંગે પણ માહિતી મેળવી હતી. સોલા સિવિલ મેડિકલ કોલેજના ડિન નીતિન વોરાએ મેડિકલ કોલેજની વિવિધ કામગીરી અંગે એડિશનલ ચીફ સેક્રેટરી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત મનોજ અગ્રવાલ સમક્ષ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની માળખાગત સુવિધાઓ અને માનવબળ અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મનોજ અગ્રવાલે સોલા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોના દરમિયાન તેમને કરેલ કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.
