પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. તો આ સાથે જ યાત્રાધામ ટ્રસ્ટ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય અને સામાજીક અંતર જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ સાથે જ અંબાજી મંદિરમાં ખાસ ઢાળવાળો રેમ્પ બનાવાયો છે અને થર્મલ ગનથી ચેકિંગ બાદ શ્રદ્ધાળુઓને મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. તો શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે 7.30 કલાકથી 10.45 વાગ્યા સુધી, ત્યારબાદ બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેરની મહામારીને કારણે રાજ્યનાં યાત્રાધામ અને મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા.ત્યારે હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં આજથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે. જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલા અને ડાકોરનો સમાવેશ થાય છે. તેમજ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર,ભાવનગરનું ખોડીયાર મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર પણ આજથી ભાવિક ભક્તો માટે ખુલશે.