રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં વિવિધ ઉદ્યોગો આવેલા છે જેમાં શાપર વેરાવળમાં મશીનપાર્ટનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે, ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાના જેતપુરની તો જેતપુરનો સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે ત્યારે જેતપુર તાલુકાના એક નાના એવા ગામ રેશમડીગાલોળમાં આજે પણ હાથબનાવટના વસ્ત્રો હાથસાળના કારીગરો દ્વારા પરંપરાગત રીતે બનાવવામાં આવે છે.
આ હાથસાળના કારીગરો દ્વારા બનાવવામાં આવતી ધાબળીની કચ્છથી લઈને કાશ્મીર સુધી ખૂબજ મોટા પ્રમાણમાં માંગ છે. કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા પેઢીદર પેઢી આ હાથસાળનું કામ કરવામાં આવી રહ્યું છે, અને જેતપુર તાલુકાના ફક્ત રેશમડી ગાલોળ ગામમાં જ હાથસાળની ધાબળી બનાવવામાં આવે છે, ઉપરાંત તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેશમડીગાલોળ ગામનાં છથી સાત પરિવારો આ હાથસાળના કામ સાથે સંકળાયેલા છે જેમાં મોટા ભાગના વણકર સમુદાયના છે.