જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસેના કાઉન્ટર નજીક ગતરોજ સાંજે ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી.
મળતી માહિતી અનુસાર, ગતરોજ માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસેના કાઉન્ટર નજીક ભીષણ આગ લાગી હતી. આગ લાગી ત્યાંથી ગુફાનું અંતર માત્ર 100 મીટર જેટલું દૂર છે.
આગ એટલી વિકરાળ હતી કે, તેની જ્વાળા ભૈરો ઘાટી સુધી જોવા મળતી હતી. આગના કારણે મંદિર ઇમારતને ઘણું નુકશાન થયું છે. તો સાથે જ કેશ કાઉન્ટર પણ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું.
બનાવની જાણ થતા જ ફાયર વિંગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અગ્નિકાંડમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની ભીતિ સેવાઇ રહી છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.