ગુજરાતમાં લોકોને રંજાડી રહેલાં ભુમાફિયાઓ અને જમીનો પચાવી પાડતાં અસામાજીક તત્વો સામે રાજય સરકારે લાલ આંખ કરી છે. અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુનેગારોની મિલકતો તોડી પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકોના મનમાંથી ગુંડાઓનો ડર દુર કરવા માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસતંત્રને કડક સુચના આપી છે. અમદાવાદના કુખ્યાત ગુનેગાર અને વહાબ ગેંગનો મુખ્ય સાગરીત નઝીર વોરા જે હાલમાં વેજલપુર પોલીસની પકડમાં છે. તેણે ધાકધમકી, ખંડણીથી શહેરના જુહાપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલ્કતો ઉભી કરી હતી. એટલુંજ નહીં પણ સરકારી જમીનો પણ નઝીર વોરાએ પચાવી પાડી હતી. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું અને એસ્ટેટ વિભાગની ટીમે આજે ફરી એકવાર મોટું ડીમોલેશન હાથ ધર્યું હતું. નઝીર વોરની ગેરકાયદેસર મિલ્કતો તોડવાની શરૂઆત કરવામાં આવી છે.