તલાલાની કેસર કેરી અત્યાર સુધી અમેરિકા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી પણ આ વર્ષે પ્રથમ વખત ઇટાલી ખાતે તલાલાની કેસર કેરી પહોંચશે. તાલાલા ગીર ની મધમીઠી કેસર કેરીનો સ્વાદ હવે ઈટાલીના લોકો માણશે.
ઈટાલીની બજારને સર કરવા કેસર કેરીના ૧૫,૦૦૦ બોક્સ ૨વાના થયા છે ભારતીય મુળના ઇટાલી વેપારી દ્વારા તાલાલા ગીરમાંથી કેસર ની આયાત કરવામાં આવી છે. આ કેરી મુન્દ્રાથી દરિયાઈ માર્ગે ૨૫ દિવસે ઈટાલી પહોંચશે. ઈટાલીની બજારમાં નંગના ભાવે કેસર કેરી વેચાશે મુન્દ્રાથી કેરીના ૧૫ હજાર બોકસ ઈટાલી મોકલાયા. તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ ૧૪ ટન કેસર કેરી દરિયાઈ માર્ગે પ્રથમ વખત ઈટાલી મોકલાઈ છે.
ગીરની કેસરને એક્સપોર્ટ કરનાર એક્સપોટરનું કહેવું છે કે, આંબાવાડીઓમાંથી કેરીઓ લવાયા બાદ તેને પ્રોસેસ કરાય છે. જે કેરી ને ઇટલી મોકલવાની છે તે કેરી 200 થી 350 ગ્રામ સુધીની છે. 200 ગ્રામથી વધુ વજન ધરાવતી કેરી ને અલગ કરાયા બાદ તેને બોકસમાં ભરવામાં આવે છે. ત્યાર બાદ તેને કોલ્ડ સ્ટોરેજમાં ઠંડી કરવામાં આવે છે. ઇટાલીથી આવેલાં વેપારીએ જણાવ્યું હતું કે, ઇટાલીમાં કેરીની માંગમાં વધારો થયો છે. દર વર્ષે 500 ટન કરતાં વધારે કેરીની ખપત ઇટાલીમાં થાય છે. મુંદ્રાથી આ કેરીઓ જહાજ મારફતે ઇટાલી જશે અને ત્યાં તેનું વેચાણ કરાશે.