તાઉ-તે વાવાઝોડું ગુજરાત પર આફત બનીને આવ્યું અને ઠેર ઠેર વિનાશ વેરતું ગયું છે. રાજ્યમાં સૌથી વધારે અસર ઉનામાં જોવા મળી રહી છે. ઉનામાં ઠેરે ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે તેમજ કાચાં મકાનો બાંધી રહેતા લોકોનાં ઘર પણ પડી ભાંગતાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાના વિદ્યુતનગરમાં હુડકો સોસાયટીમાં રહેતાં વિધવાએ જણાવ્યું હતું કે રાતે 170ની સ્પીડે પવન ફૂંકાતાં ઘર પડી ભાંગ્યું હતું. આથી બે પુત્રો અને પોતાનો જીવ બચાવવા આખી રાત ખૂણામાં બેસી પસાર કરી હતી. અનાજ પલળી ગયું હોવાથી 18 કલાકથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી.