ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયાનો અહેવાલ મળ્યો છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે દોડાદોડી કરી રહ્યાં હતા. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા હતાં. આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની મુખ્યમંત્રીની જાહેરાત કરી છે.
