કોરોનાની સારવારમાં વપરાતી ફેબિફ્લૂ નામની દવાની અછત ઉભી થઈ છે. રેમડેસિવિર ઈન્જેકશનની જેમ હવે આ દવા માટે પણ લોકો દોડાદોડી કરી રહ્યા છે. કોરોનાની મહામારીને લઈ લોકો ભારે મુશ્કેલમાં ફરી રહ્યાં છે. લોકોને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઊઠી જતાં પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે જરૂરી એવી તમામ વસ્તુઓનો સ્ટોક કરવા લાગ્યા છે. જેના કારણે કોરોનાની સારવાર માટે ડોક્ટર દ્વારા અપાતી ફેબિફ્લૂ દવાની ખરીદી કરવા લાગ્યા છે. લોકો બીમારી પહેલાં જ દવાનો સ્ટોક કરવા લાગતાં તેની અછત સર્જાતાં જરૂરિયાતવાળાને ફેબિફ્લૂ દવા મેળવવામાં મુશ્કેલી પડે છે. અમદાવાદમાં અનેક વિસ્તારમાં ફેબિફલુ દવા મળતી નથી.
ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે, શહેરમાં લોકો કોરોનાનાં ડર થી જે હાથમાં આવે તે ખરીદીને સ્ટોક કરવાં લાગ્યા છે. જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આમજ રેમડેસિવિર ઈન્જેકશનની પણ કાળા બજાર થઈ રહી છે. જે ના થાય માટે એસોસિએશન દ્વારા પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.