કોરોનાના દર્દીઓને જરૂર ન હોય છતાં આડેધડ રેમડેસિવિર ઈન્જેકશન લખી આપતા ડોક્ટરોને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ચેતવ્યા છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીનો મૃત્યુદર ઘટાડી શકાય છે કે, વેન્ટિલેટરની જરૂર ઓછી પડે છે તેના કોઈ પુરાવા નથી. રાજ્યની કોવિડ ટીમના સભ્ય ડો. તેજસ પટેલ અને ડો. અતુલ પટેલે રેમડેસિવિર ક્યારે અને કયા સંજોગોમાં અપાય તે અંગે ગાઈડલાઈન બહાર પાડી છે.
ડોક્ટોરના મતે આ સંજોગોમાં રેમડેસિવિર આપી શકાય
• દર્દીને સતત નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે.
• જો કોરોનાના દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 94 ટકાથી ઘટી જાય ત્યારે.
• શ્વાસોશ્વાસની ગતિ પ્રતિ મિનિટ 24થી વધારે થઈ ગઈ હોય.
• દર્દી સામાન્ય પ્રવૃત્તિ કરે તો પણ વધુ થાક લાગતો હોય કે શ્વાસ ચઢી જતો હોય.
• વાઈરલ કફ સતત રહેવા સાથે ઓછો ન થતો હોય.
• લિમ્ફોપેનિયા સાથે એનએલઆરનું પ્રમાણ 3.5થી વધુ થાય.
• ત્રણ-ચાર દિવસની દવા અને સારવાર પછી પણ દર્દીને હાઈગ્રેડ તાવ રહેતો હોય અને સી-રિએક્ટિવ પ્રોટિન (સીઆરપી)નું પ્રમાણ વધ્યું હોય
ત્યારે.
• દર્દીનો એક્સ-રે પહેલાં નોર્મલ આવ્યો હોય પણ પછીથી ફેફસાંમાં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી જણાય.
• 50 વર્ષથી વધુ વય હોય અને કોરોનાને કારણે સીઆરપી, ડી-ડાઈમર, ફેરિટિનના પ્રમાણમાં વધારો થયો હોય.
• ખાસ કિસ્સામાં ચેપી રોગના નિષ્ણાત, ફિઝિશિયન કે બાળરોગના નિષ્ણાતના અભિપ્રાય પછી જ રેમડેસિવિર આપી શકાય.
• કોરોનાના લક્ષણ નહીં ધરાવતા કે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શન આપવું સલાહભર્યું નથી.