કોરોના સતત વધતાં જતાં કેસો વચ્ચે ગાંધીનગર સહિત રાજ્યના 20 શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે દહેગામ શહેર અને રખિયાલ વિસ્તારમાં પણ પોલીસે લોકોને રાત્રીના સમયે શક્ય હોય તો ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. પોલીસ દ્વારા હોસ્પિટલ, દવાખાના, મેડિકલ સ્ટોર જેવી જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાય દુકાનો અને લારીગલ્લા શક્ય હોય તો રાત્રે બંધ રાખવા માટે કહેવાનું આવ્યું. દહેગામ શહેરમાં સતત કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે અસંખ્ય લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો કેટલાક લોકો હોમ આઇસોલેશનમાં રહી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સતત વધતાં સંક્રમણને અટકાવવા લોકો જાહેર સ્થળોએ ભીડ ન કરે અને તેના પર અંકુશ આવે તે માટે દહેગામ અને રખિયાલ પોલીસ દ્વારા માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને રાત્રે ધંધા-રોજગાર બંધ રાખવા માટે સમજાવ્યા હતા. રાત્રિના સમયે ખાણીપીણી-ચાની કીટલીઓ પર ભીડ જોવા મળતી હોય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય વધુ રહે છે. ત્યારે રાત્રીના સમયે ધંધા-રોજગાર બંધ રહેતાં વેપારીઓ ભારે મુશ્કેલ અનુભવે છે.