અમદાવાદના નારોલ અસલાલી હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂનો ઝથ્થો ઝડપાયો છે. નારોલ-અસલાલી હાઇવે પરથી રાજસ્થાનની ટ્રકમા ઘઉની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોની PCBએ ધરપકડ કરી છે.
પોલીસે આ ઘટનામાં વિદેશી દારૂની 230 પેટીની અંદાજિત કિંમત 11,04,400 તેમજ 480 નંગ ઘઉની બોરી તથા મોબાઈલ અને ટ્રકને મળીને કુલ રૂપિયા 22,62,000 ના મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીને ઝડપી લીધા છે. આ ઘટનામાં પોલીસે વધુ પૂછપરછ કરતાં હરિયાણાથી દારૂ લઈને અમદાવાદમા રાજૂ નામના વ્યક્તિને ફોન કરી આપવાનો હોવાનું જાણવા મળ્યું છે.
મળેલ માહિતી અનુસાર, અમદાવાદ PCBની ટીમને બાતમી મળી હતી કે, બહારથી અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. રાજસ્થાનની ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ લવાઈ રહ્યો છે અને નારોલ-અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે. પોલીસને મળેલી બાતમીના આધારે સતર્ક થઈને વોચ ગોઠવાઈ હતી. ત્યારબાદ આ ટ્રક આવતા જ પોલીસે તેને રોકી પૂછપરછ કરતા ટ્રકચાલક નવદીપ બિશનોઈ અને ક્લીનર અક્ષય બિશનોઈ (બંને રહે. હરિયાણા) હોવાનું જણાવ્યુ હતું. ટ્રકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસને 11 લાખની કિંમતની 2760 દારૂની બોટલ મળી આવી હતી.
અમદાવાદ PCBની ટીમે બંનેની પૂછપરછ કરતા હરિયાણાના સતપાલ બિશનોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે.