જમ્મુ-કાશ્મીરમાં આવેલ પુલવામા જિલ્લા સ્થિત કમરાજીપોરા વિસ્તારમાં આજે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ગોળીબાર દરમિયાન ભારતીય સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સેનાનાં બે જવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થઈ ગયો હતો.
ભારતીય સૈન્યને પુલવામાના કમરાજીપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ જ્યાં આતંકીઓ છુપાયા હતા તે ઘરને ઘેરી લીધું હતું. આતંકીઓએ પોતાનો બચવાનો કોઈ રસ્તો ન મળતાં સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતાં એક આતંકીને ઠાર માર્યો હતો. આ અથડામણ માં એક જવાન પણ શહીદ થઈ ગયો હતો.
ભારતીય સેનાએ અથડામણ બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો.સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી AK 47, ગ્રેનેડ સહિતનાં હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસે આ હથિયારો જપ્ત કર્યા છે.