RBIની બેઠકના પરિણામો જાહેર: હપ્તા કે વ્યાજ દરમાં નવી કોઇ રાહત નહીં મળે

રિઝર્વ બેંકની ત્રણ દિવસ ચાલેલી નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. આ બેઠકમાં રેપો રેટને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  રેપો રેટમાં કોઈપણ પ્રકારનો  ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે  લોકોને હપ્તા કે લોનના વ્યાજ દરો પર નવી કોઈ રાહત મળશે નહીં.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામો અંગે જાણકારી આપીને જણાવ્યુ હતું કે, રેપો રેટને 4 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાએ સ્થિર છે. ગ્લોબલ ઈકોનોમી હજુ પણ નબળી છે. જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જળવાઈ રહ્યો છે. છૂટક ફુગાવાનો દર હજુ પણ નિયંત્રણમાં છે તથા બીજા છ માસ દરમિયાન મોંઘવારી દર ઘટી શકે છે.

રિઝર્વ બેન્ક ના ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી પછી દેશની ઈકોનોમી હવે પાટા પર પાછી ચઢી રહી છે તેમજ સારી ઉપજના કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે. ફરી એક વખત નાણાંકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ રેટ નેગેટિવ રહેશે તેમ જણાવ્યુ હતું. આ દરમિયાન શેર બજારમાં તેજી જળવાઈ રહી છે. 12 વાગ્યા બાદ સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂત રહ્યો હતો જ્યારે નિફ્ટી 11,150 પોઈન્ટથી ઉપર રહી હતી.

કોરોના મહામારીમાં રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા માટે ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે બે વખત સમય પહેલા બેઠકો યોજાઈ ચુકી છે. પહેલી બેઠક માર્ચમાં અને તેના બાદ મે 2020માં બીજી બેઠક યોજવામાં આવી હતી. આ બંને બેઠકમાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કુલ મળીને 1.15 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2019 બાદ રેપો રેટમાં 2.50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *