પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ની સરકારે પાંચમી ઑગષ્ટે જાહેર કર્યું લૉકડાઉન

પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારે પાંચમી ઑગષ્ટે પોતાના રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનને ભાજપે સાંપ્રદાયિક કે કોમી ગણાવ્યો હતો. આવતી કાલે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિનું પૂજન કરવાના છે તો બીજી તરફ જમ્મુ-કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયાને એક વર્ષ પૂર્ણ થશે. આવા પ્રસંગે મમતા બેનરજીએ લૉકડાઉન જાહેર કરતાં ભાજપે આક્ષેપ કર્યો હતો કે મમતા ઇરાદાપૂર્વક હિન્દુ લોકોની લાગણી સાથે રમત રમી રહ્યાં હતાં. આ પગલુ્ં લોકશાહીની અને હિન્દુ બહુમતીની લાગણી વિરોધી છે.

મમતા બેનરજીના આ પગલાના વિરોધ રૂપે ભાજપ આજે સ્વામી વિવેકાનંદના માણિકતલામાં આવેલા ઘરથી શરૂ કરીને શ્યામબજાર સુધીના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં વિરોધ યાત્રા યોજશે. ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ મમતા બેનરજીના આ નિર્ણયને કોમી ગણાવી કહ્યું હતું કે બકરી ઇદના દિવસે લૉકડાઉનમાં છૂટ આપનારા મમતાએ રામ જન્મભૂમિ પૂજનના દિવસે લૉકડાઉન જાહેર કરીને પોતાની કોમી માનસિકતાના પુરાવા આપ્યા છે. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ નિર્ણયને વાજબી ગણાવ્યો હતો અને ભાજપના આક્ષેપોની અવગણના કરી હતી.

અત્યાર પહેલા મમતા બેનરજી એ ઑગષ્ટના અંત સુધી દર અઠવાડિયે સપ્તાહના છેલ્લા બે દિવસમાં લૉકડાઉન તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આ સપ્તાહે પહેલીવાર આવતી કાલે લૉકડાઉન જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે કેટલાક તહેવારોને ધ્યાનમાં રાખીને અમે લૉકડાઉનના પ્રોગ્રામમાં ફેરફાર કર્યા હતા. તે અનુસાર હવે પાંચ ઑગષ્ટ, આઠ ઑગષ્ટ (જન્માષ્ટમી) 20 ઑગષ્ટ, 21 ઑગષ્ટ, 27 ઑગષ્ટ, 28 ઑગષ્ટ અને 31 ઑગષ્ટે લૉકડાઉન રહેશે.

મમતા બેનરજીએ બીજી ઑગષ્ટે ઇદ નિમિત્તે લૉકડાઉનમાં છૂટછાટ આપી હતી પરંતુ આવતી કાલે છૂટછાટ આપવાની ભાજપની વિનંતિને નકારી કાઢી હતી. અને તેની સામે ભાજપે સક્રિય વિરોધ નોંધાવ્યો હતો અને આજે વિરોધ મોરચો કાઢવાની જાહેરાત કરી હતી. સાથોસાથ એવી ખાતરી આપી હતી કે કોરોના સામે સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા જે પગલાં સૂચવાયાં છે એનું પાલન મોરચા દરમિયાન અમે કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *