અનલોક 3: આવતી કાલથી ખૂલનાર જીમ-યોગા ઇન્સ્ટિટ્યૂટ માટેની ગાઈડલાઇન જારી

કોરોના સંક્રમિત કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં પાંચમી તારીખે એટ્લે કે આવતી કાલથી સમગ્ર દેશમાં જીમ તેમજ યોગા ઇન્સ્ટિટયૂટ ખુલવા જઇ રહ્યા છે. જેને લઇને સરકારે એક ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઇન્સ્ટિટયૂટ નહીં ખોલવામાં આવે. તેમજ નોન કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં જીમ અને યોગા ઇન્સ્ટીટ્યુટ ખોલી શકાશે.

આ દરમિયાન સરકારે અમુક ચોક્કસ નિયમોનું કડક રીતે અમલ કરાવવા પણ દરેક રાજ્યોને કહ્યું છે. જેમ કે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. તેમજ 65 વર્ષથી વધુ ઉંમરના કે જેમને અન્ય બિમારીઓ પણ હોય તથા 10 વર્ષથી ઓછી વયના બાળકો અને ગર્ભવતી મહિલાઓ વગેરેએ ગીચોગીચ વિસ્તારમાં આવેલા જીમનો ઉપયોગ ન કરવો.

સરકાર દ્વારા અનલોક-3 જાહેર કરવામાં આવ્યું તેના ભાગરૂપે આ પગલુ ભરવામાં આવી રહ્યા છે. યોગા ઇન્સ્ટિટયૂ અને જિમ્નેશિયમ પર થર્મલ સ્ક્રિનિંગ તેમજ સેનિટાઇઝરની સુવિધા કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત જીમમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનોને સેનિટાઇઝ કરવાના રહેશે કેમ કે એક જ સાધનનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે, એવામાં એક વ્યક્તિ કોઇ સાધનનો ઉપયોગ કરી તે તુરંત બાદ તેને સેનિટાઇઝ કરીને અન્ય વ્યક્તિને ઉપયોગમાં કેવી રીતે આપવું તે સહિતની વ્યવસ્થા કરવી પડશે.

આ સિવાય જીમમાં પણ માસ્ક પહેરવુું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેથી કસરત કરતી વખતે માસ્ક પહેરીને કાર્ડિયો જેવી કસરત કેવી રીતે કરવી તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે આવા પ્રકારની કસરતમાં વાઇઝરનો ઉપયોગ કરી શકાય. સાથે જ દરેક જિમ સંચાલકો અને મેમ્બરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ દરેક વ્યક્તિનું પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન ચેક કરવું અને 95 ટકાથી ઓછુ હોય તેમને જીમમાં પ્રવેશ ન આપવો અને હોસ્પિટલમાં પણ જાણ કરવી.

આ સિવાય લાઇનમાં છ ફુટનું અંતર જાળવવું. યોગા ઇન્સ્ટિટયૂટમાં પગરખાં બહાર કાઢ્યા પછી જ પ્રવેશ આપવો અને જો શક્ય હોય તો દરેક વ્યક્તિએ પોતાના પગરખાં પોતાની રીતે જ અલગ જગ્યાએ ગોઠવવા. દરેકના નામ અને સરનામા સાથે અંદર આવતી વખતે નોંધણી કરવાની રહેશે. કોઇ પણ વસ્તુનો કસરત માટે ઉપયોગ કરતા પહેલા હાથને સેનિટાઇઝ કરવાના રહેશે. યોગાને ખુલ્લી જગ્યામાં જ કરવા સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *