સરકારે જ્યારે હવે કોઈ પણ પ્રકારની ફી ન લેવા આદેશ કર્યો છે, ત્યારે ગુજરાતના તમામ શાળા સંચાલક મંડળો સરકાર સામે એક થયા છે અને આવતીકાલે 23મીથી ઓનલાઈન શિક્ષણ ઉપરાંત તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સંચાલકોની રજૂઆત છે કે જો ફી જ ન મળે તો સ્કૂલ સ્ટાફને કઈ રીતે પગાર ચૂકવીશુ.સરકારે ટ્રસ્ટી મંડળોને માનસિક રીતે ભાગી નાખ્યા છે.
રાજ્ય સરકારે ફી અને ઓનલાઈન શિક્ષણ મુદ્દે ઠરાવ કરતા કોઈ પણ સ્કૂલને રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ફી ન વસૂલવા કડક આદેશ કર્યો છે. અને માર્ગદર્શિકા નક્કી કરી છે. ત્યારે સરકાર સામે રોષે ભરાયેલા રાજ્યના ખાનગી સ્કૂલ સંચાલકોએ આવતીકાલે 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો છે.
ગુજરાત બોર્ડની રાજ્યની ધોરણ 1 થી 12ની ખાનગી સ્કૂલોના વિવિધ સંચાલક મંડળોમાંથી મોટા ભાગના સ્કૂલ સંચાલક મંડળોએ 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે. તેમજ CBSE અને અન્ય બોર્ડની ખાનગી સ્કૂલોના સંચાલક મંડળોએ પણ 23મીથી ઓનલાઈન શિક્ષણ ન ચલાવવાનો નિર્ણય કર્યો છે.જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલના એક મંડળે બે દિવસ બાદ નિર્ણય કરવા જણાવ્યુ છે.મહત્વનું છે કે FRC એક્ટ બાદ હવે આ ફી નહી વસૂલવા મુદ્દે પણ રાજ્યની તમામ બોર્ડની તમામ સ્કૂલ સંચાલકો સરકારના નિર્ણય સામે વિરોધ કરવા એક થયા છે.
અમદાવાદ,રાજકોટ,સુરત સહિતના તમામ શહેરોના સ્કૂલ સંચાલક મંડળોએ પણ સરકારનો વિરોધ કર્યો છે. સ્કૂલ સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ ઉપરાંત તમામ પ્રકારની વહિવટી પ્રવત્તિ પણ બંધ કરવાની જાહેરાત કરી છે.
સ્કૂલ સંચાલકોની ફરિયાદ એવી છે કે 16 જેટલા રાજ્યોની હાઈકોર્ટે ઓનલાઈન શિક્ષણ હાલના સમયમાં મહત્વનું હોવાનું ગણાવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે ફી જ ન લેવાનો ઠરાવ કરીને ઓનલાઈન શિક્ષણનો છેદ ઉડાડી દીધો છે. અને સરકારે ઓનલાઈન શિક્ષણને મહત્વ આપ્યુ નથી. સરકારે આ ઠરાવ કરીને ટ્રસ્ટ મંડળોને માનસિક રીતે ભાંગી નાખવાનો નિર્ણય કર્યો છે.
સ્કૂલ સંચાલકો ચાર મહિનાથી આર્થિક સંકટમાં છે ત્યારે હવે ટયુશન ફી પણ જો જતી કરવામા આવે તો સ્ટાફનો પગાર ચુકવી નહી શકાય. રાજ્યના લાખો શિક્ષકો-કર્મચારીઓ બેકાર બનશે એટલુ જ નહી ફીના અભાવે તો સ્કૂલો જ બંધ કરવી પડશે. સરકારના આ ઠરાવ સામે હવે તમામ સંચાલક મંડળ હાઈકોર્ટમાં જશે.