ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયાબંધી કરવામાં આવી હોવાના અહેવાલો ભારે ચર્ચા માં છે. ગુજરાતમાં પોલીસ અધિકારીઓ હમણાંથી સોશિયલ મીડિયામાં હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી રહ્યા છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. અને મનફાવે તેમ પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે.
હવેથી પોલીસ અધિકારીઓ પોતાની સેવા સંબંધિત ફરિયાદ અંગેની પોસ્ટ પણ નહીં કરી શકે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, અધિકારીઓએ સોશિયલ મીડિયામાં વ્યક્તિગત અભિપ્રાયો જ વ્યક્ત કરવા, પોલીસ અને સરકારની ટીકા કરતી પોસ્ટ કરી શકશે નહીં.
પોલીસ વિભાગે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જેમાં પોલીસ કર્મચારીઓને બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રહેવા અપીલ કરાઈ છે. સોશિયલ મીડિયામાં પોલીસ અને સરકારની ટીકા કરતી પોસ્ટ ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં પોતાની સેવા સંબંધિત ફરિયાદ અંગેની પોસ્ટ પણ કરી શકાશે નહીં. સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિગત અભિપ્રાયો વ્યક્ત કરવા જ કરી શકશે.
સત્તાવાર હેતુ માટે ઉપયોગ થયું હોય તો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત ન કરવા પરિપત્રમાં જણાવાયું છે. અધિકારીઓએ હવે ખાનગી હેતુ માટે ઉપયોગ થયેલ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરવી પડશે કે આ ટિપ્પણી સત્તાવાર નથી. વ્યક્તિગત અથવા અંગત છે. થોડા દિવસ પહેલા ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયા પર થયેલા વિરોધ બાદ પોલીસનો પરિપત્ર જાહેર થતાં ચર્ચાનો વિષય બન્યો છે. કોઇપણ પોલીસ કર્મીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબીને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગ બદનામ થાય.
આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે. આ ઉપરાંત જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આવા ગૃપના સભ્ય પણ નહીં રહી શકે, માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે. આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.