ઘાંસચારા કૌભાંડના વધુ એક કેસમાં આરજેડી સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને જેલની સજા ફટકારવામાં આવી છે. રંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને ઘાંસચારા કૌભાંડમાં અત્યાર સુધીની સૌથી મોટી 7 વર્ષની સજા સંભળાવી છે. ઉપરાંત કોર્ટે લાલુને 30 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.
ઘાંચારાના ચોથા એવા દુમકા કોષાગાર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે લાલુ પ્રસાદ યાદવને ગત સોમવારે દોષિત ઠેરવ્યા હતાં. આ જ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને છોડી મુકવામાં આવ્યાં હતાં.
ન્યાયાધીશ શિવપાલ યાદવે ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 સુધીમાં તે સમયના ઝારખંડના દુમકા કોષાગારમાંથી બનાવટી રીતે 3.13 કરોડ રૂપિયાની ગોબાચારી કરવાના કેસમાં આ નિર્ણય સંભળાવ્યો છે.
અગાઉ સોમવારે રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં. જ્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવામાં આવ્યાં હતાં. આ અગાઉ ઘાંસચારા કોભાંડના ત્રીજા કેસમાં લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને ચાઈબાસા કોષાગારમાં ગેરરીતિ આચરવાના કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. અદાલતે બંનેને 5-5 વર્ષની જેલની સજા ફટ્કારી હતી. આ કેસમાં કોર્ટે લાલૂ પ્રસાદને 10 લાખ રૂપિયા અને જગન્નાથ મિશ્રાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.