સીબીઆઈએ એરસેલ-મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને પણ આરોપી બનાવ્યા છે. ગુરુવારે દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં ચિદમ્બરમ ઉપરાંત તેમના પુત્ર કાર્તિ સહિત 18 આરોપીઓના નામ સામેલ છે. કાર્તિ આ કેસમાં અગાઉથી આરોપી છે. લગભગ 3500 કરોડના એરસેલ-મેક્સિસ કરાર ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ વિશેષ ન્યાયમૂર્તિ રસેલ-મેક્સિસ ઓ.પી. સૈની સમક્ષ પોતાની પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. હવે પછીની સુનાવણી 31 જુલાઈએ થશે.
સીબીઆઈએ પૂરક ચાર્જશીટમાં અન્ય જે 16 લોકોના નામ રજૂ કર્યા છે તેમાં 6 કંપની ઉપરાંત મલેશિયાના મીડિયા મુગલ આનંદ કૃષ્ણન, રાલ્ફ માર્શલ, આર્થિક બાબતોના માજી સચિવ અશોકકુમાર ઝા, તત્કાલીન વધારાના સચિવ અશોક ચાવલા, હાલના બે આઈએસ અધિકારી-સંયુક્ત સચિવ સંજય કૃષ્ણ અને ડાયરેક્ટર દીપકકુમાર સિંહ, સચિવ રામશરન, એસ. ભાસ્કર રમણ, એ. પલાની ઐય્યમ અને વી શ્રીનિવાસનો સમાવેશ થાય છે. ચિદમ્બરમ્ પર એવો આરોપ છે કે, એમણે આ કરારમાં એફડીઆઈની મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની ભલામણોને અવગણી હતી.
પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે “મારી અને અધિકારીઓ વિરુદ્ધ ખોટા આરોપને સપોર્ટ કરવા માટે સીબીઆઈ પર ચાર્જશીટ દાખલ કરવા દબાણ કરાયું છે. હવે આ કેસ કોર્ટમાં છે. જાહેર રીતે કોઈ ટીપ્પણી નહીં કરું. પરંતુ હું કોર્ટમાં કેસ લડીશ.”