જેલમાં બંધ સલમાન ખાનને મોટી રાહત મળી છે. જોધપુરની સેશન્સ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જામીન મળતા જ સલમાનની મુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે.જોધપુરની કોર્ટના જજ આર કે જોશીએ સૂનાવણી શરૂ કરી હતી. આજે જજે બંને વકીલોની પ્રારંભિક દલીલો સાંભળી હતી. જેમાં સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તો સલમાને જામીન માટેની તમામ શરતો માની હતી. કાળિયારનો શિકાર કરવાના 20 વર્ષ જૂના કેસમાં ગુરુવારે જોધપુરની સ્થાનિક કોર્ટે પાંચ વર્ષની સજા ફટકાર્યા બાદ સલમાન ખાન બે દિવસથી જેલમાં બંધ હતો. સલમાને શુક્રવારે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે, તેની સુનાવણી ન થઈ શકતા અભિનેતાએ બે રાત જેલમાં વિતાવી પડી હતી.
સલમાન ખાનને 50 હજાર રુપિયાના પર્સનલ બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કોર્ટ ફેસલો સંભળાવવાની હતી ત્યારે જ સલમાનના વકીલ બે વ્યક્તિને તેના જામીન તરીકે રજૂ કરવા સાથે જ લાવ્યા હતા, પરંતુ લોઅર કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારતા સલમાનને તે જ કોર્ટમાંથી જામીન નહોતા મળી શક્યા અને તેને સેશન્સ કોર્ટમાં અપીલ કરવી પડી હતી.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, સલમાન ખાનને જામીન ન આપવા જોઈએ. જોકે, બચાવ પક્ષે પણ પોતાના તરફથી દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલ સાંભળી જજે સલમાનની જામીન અરજી સ્વીકાર્ય રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, જેલની બહાર સલમાનના ફેન્સ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સલમાનની બહેનો અલવીરા અને અર્પિતા પણ કોર્ટમાં હાજર રહી હતી, તેમજ તેનો બોડીગાર્ડ શેરા પણ જોધપુર પહોંચી ગયો હતો. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતનો દાવો હતો કે, ઘટના સથળ પરથી સલમાનની વિરુદ્ધમાં કોઈ પુરાવો નહોતો મળ્યો. તેમણે કોર્ટરૂમની બહાર આવીને આશા વ્યક્ત કરી હતી કે, સલમાનને જામીન મળી જશે.
પહેલાથી જ એમ એવું મનાઈ રહ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવાના ગ્રાઉન્ડ પર સલમાનને આસાનીથી જામીન મળી શકે છે. આજે જો સેશન્સ કોર્ટે જામીન ન આપ્યા હોત તો સલમાને હાઈકોર્ટમાં જામીન માટે જવું પડ્યું હોત, અને તેનો જેલવાસ લંબાયો હોત.
મહત્વનું છે કે જે જજ જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે. રાજસ્થાનમાં સાગમટે થયેલી ૮૭ જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર કે જોશીની પણ બદલી કરાઇ છે. આર કે જોશીની સિરોહી બદલી કરાઇ છે. જયારે કે તેમના સ્થાને જજ ચંદ્રકુમાર સોંગરાની બદલી કરાઇ છે. મહત્વનુ છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વરસની સજા કરવામાં આવી છે.