કાળિયાર કેસમાં બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ૫ વર્ષની સજા, સેન્ટ્રલ જેલ મોકલાશે

જોધપુર કોર્ટે સજા સંભળાવી દીધી છે. વર્ષ ૧૯૯૮ના કાળિયાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે.

સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. આ સિવાયના તમામ પાંચ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટ સમક્ષ આ કેસના તમામ આરોપીઓ હાજર રહ્યા હતા. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા હતા.

સલમાન ખાનના વકીલે કોર્ટમાં ઓછામાં ઓછી સજાની માગણી કરી હતી.

ભારતમાં કાળિયારનો શિકાર કાયદાથી પ્રતિબંધિત છે. વન્યજીવ કાયદા હેઠળ આ સમગ્ર મામલો નોંધાયેલો છે. જેમાં છ વર્ષની સજાની જોગવાઈ છે.

બીજી ઑક્ટોબર, ૧૯૯૮ના રોજ જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો.

સલમાન પર આરોપ છે કે આ શિકાર તેમણે તેમના સાથી કલાકારો અને ફિલ્મની ટીમ સાથે કર્યો હતો.

આ કેસમાં કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ સહ-આરોપીઓ છે.

સલમાન કેસ સામે કુલ ચાર કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

કાળિયારના કુલ બે કેસ અને આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં સલમાન ખાનને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. હવે આ ચોથા કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

કેટલા કેસમાં સજાની સુનાવણી થઈ, કેટલા કેસમાં બાકી?
1) કાંકાણી ગામ કેસ- આ મામલે આજે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સલમાન ખાનને આ કેસમાં ૫ વર્ષની જેલની સજા અને રૂ. ૧૦,૦૦૦નો દંડ કર્યો છે.
2) ઘોડા ફાર્મ હાઉસ કેસ- ૧૦ એપ્રિલ ૨૦૦૬ના સીજેએમ કોર્ટે ૫ વર્ષની સજા આપી હતી. ત્યારે સલમાન ખાન હાઈકોર્ટ ગયા હતા. ૨૫ જુલાઈ ૨૦૧૬ના રોજ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.
3) ભવાદ ગામ કેસ: સીજેએમ કોર્ટે ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ સલમાન ખાનને દોષિત જાહેર કરીને એક વર્ષની જેલની સજા આપી હતી. હાઈકોર્ટે આ મામલે તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
4) આર્મ્સ કેસ: ૧૮ જાન્યુઆરી ૨૦૧૭એ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

૨૦ વર્ષમાં સલમાને ૧૮ દિવસ કાઢ્યા જેલમાં

– હિરણ શિકારના ૩ કેસમાં સલમાન પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧૮ દિવસ જેલમાં રહ્યા હતા.
– ૬ દિવસ- વન વિભાગે ૧૨ ઓક્ટોબર ૧૯૯૮માં અટકાયત કરવામાં આવી હતી. તેઓ ૧૭ ઓક્ટોબર સુધી જેલમાં રહ્યા હતા.
– ૬ દિવસ- ઘોડા ફાર્મ મામલે ૧૦ એપ્રિલ ૨૦૦૬એ સલમાનને લોઅર કોર્ટે ૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ૧૫ એપ્રિલ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.
– ૬ દિવસ- સેશન કોર્ટે આ સજાને મંજૂરી આપી હતી. ત્યારે ૨૬થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૭ સુધી સલમાન ખાન જેલમાં રહ્યા હતા.

સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પર કેમ હતો આરોપી

– કાંકાણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટેને જણાવ્યું કે, ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિકાર સલમાને ખાને કર્યો હતો. પરંતુ જીપમાં તેમની સાથે સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. તેમના પર સલમાનને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાને ખાને શિકાર કરેલા હિરણને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *