યુકો બેન્ક દ્વારા ૧૮ બોગસ લોકોને જુદીજુદી હોમ લોન અને પ્રોપર્ટી લોનની સ્કીમ હેઠળ રૂ. ૧૯.૦૩ કરોડની લોન આપવાનું કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી છે. CBIએ યુકો બેન્કનાં આ કૌભાંડમાં કેસ કર્યો છે. ૨૦૧૩ અને ૨૦૧૬માં સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવી હતી. યુકો બેન્ક દ્વારા આ સંદર્ભમાં 27 માર્ચે ફરિયાદ કરવામાં આવ્યા પછી સીબીઆઈએ કેસ કર્યો હતો.
CBIએ પાંચ લોકો સામે FIR નોધીને તપાસ હાથ ધરી હતી.
CBIએ ૨૯ માર્ચે દાખલ કરેલી FIRમાં કરોડોનું કૌભાંડ આચરવા માટે યુકો બેન્કની જયાનગર બ્રાન્ચનાં પૂર્વ બ્રાન્ચ મેનેજર કે આર સરોજા, અન્ય વચેટિયા બી એસ શ્રીનાથ અને બેન્કનાં માન્યતા ધરાવતા ત્રણ વેલ્યુઅર્સ જંબુનાથ તેમજ બેગ્લુરૂ ખાતેની બે કંપનીનાં માલિક ગોપીનાથ આર અગ્નિહોત્રી અને એન. વેંકટેશ મળીને કુલ પાંચ સામે કેસ કર્યો છે.
સરોજા જ્યારે ૨૬ ઓગસ્ટ ૨૦૧૩થી ૧ જૂન ૨૦૧૬ સુધી ચીફ મેનેજર હતા ત્યારે તેમણે જુદાજુદા ૧૮ લોન લેનારાઓને કુલ રૂ. ૧૯.૦૩ કરોડની હોમ લોન અને પ્રોપર્ટી લોન આપી હતી. સરોજાની વચેટિયા શ્રીનાથ સાથે સાંઠગાંઠ હતી. જે બેન્કની જુદીજુદી સ્કીમો હેઠળ લોન લેનારા અરજદારોનો પ્રચાર કરતા હતા અને લોન લેવા માટે યોગ્યતા દર્શાવવા તેમણે લોન લેનારાઓની આવકનાં બોગસ તેમજ ખોટા પૂરાવા રજૂ કર્યા હતા.
લોનલેનારાઓ દ્વારા આ પછી લોનની ફાળવવામાં આવેલી રકમ ઉપાડી લેવામાં આવતી હતી અને જે હેતુ માટે તેમની લોન મંજૂર કરાઈ હતી તે કરતા અન્ય હેતુ માટે આ રકમ વાપરવામાં આવી હતી. સસ્તા વ્યાજ દરની આવી લોન પરત નહીં ચૂકવીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેને પરિણામે બેન્કને રૂ. ૧૯.૦૩ કરોડનું નુકસાન થયું હતું.