રાંધણ ગેસના ભાવમાં 15 રૂપિયાનો વધારો ઝીંકાયો. જે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 39 પૈસાનો વધારો. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ બેરલના ભાવ આઠ વર્ષની ટોચે પહોંચી જતા તહેવારોના દિવસોમાં સરકાર દ્વારા જનતા પર ભાવ વધારાનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં પાંચમી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસની કિંમતોમાં પણ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
તહેવારોના દિવસોમાં ગેસની કિંમતોમાં વધારો થતા ગૃહીણીઓના બજેટ તરસનરસ થઇ ગયા છે. અગાઉ રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ રૂા.891.50 હતો. જેમાં 15 રૂપિયાનો વધારો કરતા હવેથી ગેસ સિલિન્ડરના ભાવ રૂા.906.50 થઇ ગયા છે. આ ઉપરાંત આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો યથાવત રહેવા પામ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિલીટર 29 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 39 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો નવો ભાવ રૂા. 99.47 અને ડીઝલનો નવો ભાવ રૂા. 98.27 છે.