દિલ્હીમાં સીબીએસસી પેપર લીક ની ઘટનામાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિધાર્થીઓ પર લાઠીચાર્જ કરતા વિધાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. જેમાં પેપર લીક કેસમાં રેલી સ્વરૂપે રાજીવ ચોક પહોંચેલા વિધાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં અનેક વિધાર્થીઓને ઈજા પહોંચી છે. આ અંગે વિધાર્થીઓનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે જનપથ પાસે અમારી પર લાઠીઓ વરસાવી હતી.
સીબીએસસી પેપર લીક મામલે વિરોધ કરી રહેલા અનેક વિધાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. દિલ્હી સંસદ માર્ગ પર પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓ સાથે જેએનયુના વિધાર્થીઓ પણ જોડાયા હતા. જેમને જેએનયુના વિધાર્થીઓએ સમર્થન આપ્યું છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જેએનયુના વિધાર્થીઓ પણ સામેલ હતા. જો કે વિરોધ કરી રહેલા વિધાર્થીઓ આ કેસમાં સીબીઆઈ સહિતની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. તેમજ તેમના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડા માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સીબીએસસી નું ધોરણ ૧૦નું ગણિત અને ધોરણ ૧૨નું ઇકોનોમિકનું પેપર વોટ્સએપ પર લીક થયું હતું. જે પેપર એક હજાર રૂપિયાથી લઈને ૩૫ હજાર રૂપિયા સુધી વેચાયું હતું. તેમજ આ પેપર એક વિધાર્થીથી બીજા વિધાર્થી સુધી નાણા મારફતે પહોંચતું રહ્યું હતું. આવી રીતે આ પેપર અનેક વિધાર્થીઓ અને ટીચર સુધી પહોંચતું રહ્યું હતું.
જો કે આ ઘટના પછી પોલીસ એક્શન આવી હતી અને ક્રાઈમ બ્રાંચે વોટ્સએપ લીંકની તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત અનેક કોચિંગ કેમ્પ પર છાપો માર્યો હતો.
જો કે વોટ્સએપની લાઈન એટલી લાંબી છે કે તેના મુખ્ય આરોપી સુધી પહોંચવામાં પોલીસને થોડો સમય લાગશે. જો કે પોલીસ મેસેજ મોકલનાર અનેક લોકોને અટકાયતમાં લઈને પૂછતાછ શરૂ કરી છે. પરંતુ તેમાં મોટાભાગના વિધાર્થીઓ હોવાના લીધે પૂછતાછમાં નરમાઈ વર્તવામાં આવી રહી છે.