ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઇને આગામી બીજી ઓક્ટોબર સુધી હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની છે. અમદાવાદમાં હળવો વરસાદ પડશે, એવું હવામાન ખાતાના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
અમદાવાદ પરથી હાલના સંજોગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા લગભગ નહિવત. વાવાઝોડાની અસરને કારણે જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના પટ્ટામાં, દરિયાઇ પટ્ટીમાં ભારે વરસાદ પડવાની હજુ આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો. સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજી વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયો છે.