રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે. જેથી જાહેર સ્થળો અને અન્ય જગ્યાઓ પણ ફરી શરૂ થવા માંડી છે. રાજ્ય સરકારે હવે નવરાત્રીમાં શેરી ગરબાને પણ મંજુરી આપી છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર આજથી વાહન વ્યવહાર વિભાગની બસ સેવાની શરૂઆત થશે. આજે ગાંધી જયંતિના દિવસથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ સહિતના મુખ્ય પ્રવાસન સ્થાન પર નિગમની નવી બસ સેવાની શરૂઆત થઈ રહી છે. વડનગરથી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બસની શરૂઆત પણ થઈ રહી છે. હાલ 6438 ટ્રીપનું સંચાલન ચાલી રહ્યું છે. જેની સામે દૈનિક અંદાજે 5 કરોડ જેટલી આવક નિગમને થઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનો માટે 7મી ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થતો હોઈ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેવા કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરે ધાર્મિક સ્થળોને આવરીને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.