અતિભારે વરસાદના કારણે ખેડૂતોમાં વધતી ચિંતા

‘ગુલાબ’ ચક્રવાતની અસરના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અને હવે ‘શાહીન’ નામના વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. આવનારા ત્રણ દિવસ હજુ ગુજરાત ઉપર ભારે છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતમાં આ વખતે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો પાક મગફળી અને કપાસ છે. સમયસર વરસાદ ના થયો તો કપાસ અને મગફળીના પાકને અસર થઇ અને હવે વધુ વરસાદ થયો છે તો ખેડૂતોને વધુ પડતું નુકસાન થયું છે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં વાવેતરની બે પેટર્ન છે.

એક, મે મહિનાના એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં આગોતરું વાવેતર કરવું. આ વાવેતર 30 થી 35 ટકા જેટલું હોય છે. બીજું, સીઝનનું વાવેતર થાય છે. એટલે ચોમાસાની શરૂઆતમાં એક સારો વરસાદ વરસી જાય પછી વાવેતર થાય. હાલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગોતરા વાવેતરને ખરાબ અસર થઇ છે. કારણ કે આ પાક લગભગ તૈયાર થઇ જવામાં હોય. જયારે સીઝનમાં થયેલા વાવેતરમાં એટલું નુકસાન ના થાય એટલા માટે કે હજુ એ સરખા પાક્યા ના હોય. અતિભારે વરસાદના કારણે મગફળીમાં 20 ટકા અને કપાસમાં 30 ટકા નુકસાનીનો અંદાજ છે.ગુજરાતભરમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, પણ આ બંને પાકનું 80 ટકા વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરમાં થયું છે જયારે કપાસનું વાવેતર 23 લાખ હેક્ટરમાં થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *