મંગળવારે શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. 11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.
એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. જેમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે. 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1ની 11 અને 1ની 5 વર્ષ છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરાયું હતું. હજુ 30નો RT-PCR રિપોર્ટ બાકી છે.