બૉલિવુડના ગીતકાર જાવેદ અખ્તરની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. જે રીતે જાવેદ અખ્તરે આરએસએસની સરખામણી તાલિબાન સાથે કરી હતી ત્યારબાદ પહેલા તેમને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મળી અને હવે તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આરએસએસ કાર્યકર્તાએ જાવેદ અખ્તર સામે થાણે કોર્ટમાં સિવિલ સૂટ નોંધાવ્યો છે. સિવિલ સૂટ નોંધાવ્યા બાદ કોર્ટે જાવેદ અખ્તરને નોટિસ મોકલી છે અને કહ્યુ છે કે તે આ મામલે આગામી સુનાવણી સમયે કોર્ટમાં ઉપસ્થિત રહે. આ કેસની સુનાવણી 12 નવેમ્બરે થવાની છે.
જાવેદ અખ્તર સામે આ કેસ આરએસએસ એક્ટિસ્ટ વિવેક ચંપનેકરે નોંધાવ્યો છે. તેમણે આ કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને જોઈન્ટ જજ સામે નોંધાવ્યો છે અને એક લાખ રૂપિયાનો જાવેદ અખ્તર પાસે વળતર માંગ્યુ છે. ત્યારબાદ કોર્ટે જાવેદ અખ્તરને નોટિસ આપીને 12 નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તર એ વખતે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે આ મહિનાની શરૂઆતમાં એક ટીવી ચેનલ પર કહ્યુ હતુ કે રાઈટ વિંગમાં દુનિયાભરમાં એક જેવી સમાનતા છે.