ડેટા લીકના કેસમાં કૉંગ્રેસ અને ભાજપ એકબીજા સામે બાંયો ચઢાવી આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. દરરોજ બંને પાર્ટીની તરફથી કંઇકને કંઇક નવી માહિતી શેર કરીને પોતાના આરોપોને મજબૂત દેખાડવામાં લાગી ગયા છે. પત્રકાર પરિષદથી લઇ સોશ્યલ મીડિયા સુધી બંને પાર્ટીઓ આ મુદ્દા પર એક બીજાને ખોટા સાબિત કરવા માટે ઉતરી પડ્યા છે.
રવિવારના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ફ્રેન્ચ હેકરના ટ્વીટનો હવાલો આપતા નરેન્દ્ર મોદી એપ સાથે ડેટા લીક કર્યાનો આરોપ મૂકયો હતો. હવે ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ રાહુલને તેના જ અંદાજમાં બરાબર ઘેર્યા છે. માલવીયાએ આજે એક ટ્વીટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ‘હાય, મારું નામ રાહુલ ગાંધી છે. હું દેશની સૌથી જૂની પાર્ટીનો અધ્યક્ષ છું, જ્યારે તમે અમારી સત્તાવાર એપ પર લૉગ ઇન કરો છો તો હું તમારો તમામ ડેટા સિંગાપોરમાં મારા મિત્રોને આપી દઉ છું.’