ત્રણ કૃષિ કાયદા સામે સોમવારે બોલાવવામાં આવેલ ભારત બંધનો અંત આવ્યો છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી અનેક રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરીમાર્ગ બંધ રહ્યા. અનેક રુટ ડાયવર્ટ કરવા પડ્યા. અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી અથવા તો વિલંબ થયો હતો. દિલ્હીથી જતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. બંધની અસર હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં વધારે રહી છે. દિલ્હી-ગાઝીપુર બોર્ડરને પણ 10 કલાક બાદ ખોલવામાં આવી હતી. ભારતીય ખેડૂતો યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ભારત બંધ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. હવે સંયુક્ત કિસાન મોરચાની આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દરમિયાન પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે હૃદય રોગને લીધે તેનું મૃત્યુ થયું છે. મૃતક ખેડૂતની ઓળખ ભગેલ રામ તરીકે થઈ છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ આ અંગે વધારે જાણકારી મળી શકે છે.