ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે. બાળકો માટે પણ તબીબો અને વાલીઓમાં ચિંતા વધી છે . પુખ્તવ્યના લોકોની સાથે સાથે બાળકોમાં પણ હવે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને મેલેરિયા,ચિકનગુનિયા,ડેન્ગ્યુ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં ઓગસ્ટ મહિનામાં 325 જેટલા ડેન્ગ્યુના કેસો, 53 જેટલા મેલેરિયાના, 66 જેટલા ચિકન ગુનિયાના કેસો નોંધાયા હતા. સપ્ટેમ્બર માસમાં 150 ડેંગ્યુ, 35 મેલેરિયા, ચિકન ગુનિયા 36 કેસો નોંધાયા હતા. તેની સાથે જ સોલા સિવિલની ઓપીડીમાં પણ વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની 1000 ઓપીડી આવે છે. રોગચાળાની ઋતુમાં બાળકો પણ ઝપેટમાં આવી ગયા છે. સોલા સિવિલ ઓપીડીમાં બાળકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. રોજની 1000 ઓપીડીમાં 60થી 70 બાળકોની તપાસ કરવામાં આવે છે. જેમાં 35થી 40 બાળકોને દાખલ કરવામાં આવે છે.