રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કહ્યું છે. આ પહેલા કોલેજ પછી 10 થી 12 અને ગયા અઠવાડિયામાં 6,7,8 ખોલવામાં અમે સફળ રહ્યાં હોવાનું પણ શિક્ષણમંત્રીએ કહ્યું છે.
શાળામાં વાલીઓએ બાળકોને મોકલ્યા છે અને શિક્ષકો પણ બાળકોને ભણાવવાને લઇને ઉત્સાહિત છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ દ્વારા શરૂ કરવાનું વિચારી રહ્યાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે આરોગ્ય અને શિક્ષણ વિદોની સલાહ બાદ અમે પ્રાથમીક શાળા શરૂ કરીશું.
આ સાથે શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરી કે નર્મદા ડેમ જલ્દી ભરાઈ જાય. ગુજરાતમાં પીવાના પાણીની કોઈ પણ તકલીફ ન પડે એટલો પાણીનો જથ્થો નર્મદા ડેમમાં છે તેમ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે.નોંધનીય છેકે કેવડિયા શૂરપાણેસ્વર મહાદેવ મંદિરે પૂજા કરવા કેવડિયા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા. આ નિમિતે તેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
આ પહેલા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થઇ ગયા છે.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા આશરે દોઢ વર્ષ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યા છે રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12 સુધીના વર્ગોનું જ ઓફલાઈન શિક્ષણ શરૂ છે, બાદમાં ધોરણ-6 થી 8 ના ઓફલાઇન અને ઓનલાઇન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યાં છે.
વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવાનું ઇચ્છી રહ્યાં છે.
ત્યારે હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ શાળાઓ જવાનું ઈચ્છી રહ્યાં છે. બાળકોના વાલીઓ જણાવી રહ્યાં છેકે તેમના સંતાનોને જલ્દી જ શાળાના વાતાવરણમાં અભ્યાસ કરવાનો મોકો મળે. જેથી તેમના બાળકોનું અંધકારમય બનતું ભાવિ ઉજળું બને. ત્યારે રાજયની કોર કમિટિની બેઠક બાદ આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.