લોન લઇ બેંકો સાથે છેતરપિંડી કરવાનો વધુ એક કૌભાંડ: CBIએ હૈદરાબાદ ની ટોટેમ ઈન્ફ્રા કંપની સામે ૧૩૯૪ કરોડનો કેસ નોંધ્યો

પંજાબ નેશનલ બેંકના નીરવ મોદી અને ચોકસી કાંડ, રોટોમેકના વિક્રમ કોઠારી, રેઈડ એન્ડ ટેલરના કરોડોના કૌભાંડના પડધમ થવાનું નામ નથી લઈ રહ્યાં અને તેવામાં વધુ એક ઉઠાંતરીની ફરિયાદ સામે આવી છે

આ વખતે ટોટેમ ઈન્ફ્રા નામની કંપનીનું નામ બહાર આવ્યું છે. CBIની FIR માં ટોટેમ ઇન્ફ્રા અને તેના પ્રમોટર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ અને ૨૦૧૫માં કંપનીએ ૪૦૦ કરોડનો ટેક્સ ન ભરતા આઇટીએ ટેક્સ ડિફોલ્ટર પણ જાહેર કર્યા હતાં.

૨૦૧૫માં આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ સૌથી મોટા ટેક્સ ડિફોલ્ટરોમાં પણ આ કંપનીનું નામ સામેલ હતું. કંપનીએ ૪૦૦ કરોડથી વધુ રકમનો ટેક્સ ભર્યો નથી. સીબીઆઇની એફઆઇઆર મુજબ કંપની દ્વારા ૮ બેંકોના જૂથ પાસેથી લોન લેવામાં આવી હતી અને આ જૂથનું નેતૃત્ત્વ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે કંપનીને આપવામાં આવેલી આ લોનને ૩૦ જૂન, ૨૦૧૨ના રોજ એનપીએ જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ટોટેમ ઇન્ફ્રા રોડ પ્રોજેક્ટ, વોટર વર્ક્સ અને બિલ્ડિંગ કન્ટ્રકશનના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ટોટેમ ઇન્ફ્રાએ દેશની જાણીતી કંપનીઓ જેવી કે એલએન્ડટી, આરઆઇટીએસ અને ઇરકોન ઇન્ટરનેશનલના સબ કોન્ટ્રાક્ટ ઉપર પણ કામ કર્યુ હતું.

લોન આપનાર બેંકોએ દાવો કર્યો છે કે કંપનીએ લોન લીધા પછી લોનની રકમનો અન્ય હેતુ માટે ઉપયોગ કર્યો છે અને પોતાની ખોટ ઓછી દર્શાવવા માટે ખર્ચ અને પગાર વધારે દર્શાવવામાં આવ્યા છે. લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા પછી કંપનીના પ્રમોટર્સ ફરાર છે અને બેંકની પાસે તેમના વિશે કોઇ માહિતી નથી. ફરિયાદ દાખલ થયા પછી સીબીઆઇ સતત હૈદરાબાદમાં કંપનીના પ્રમોટર્સને શોધી રહી છે અને કંપની સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *