અમદાવાદ જિલ્લા અને શહેરમાં 30 સપ્ટેમ્બર પહેલા વેકસીનેશનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા માટેની ગૃહપ્રધાન અમિત શાહની ટકોર બાદ અમદાવાદ જિલ્લામાં વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને કામગીરી 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
અત્યારસુધી અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝની કામગીરી 89% પૂર્ણ થઈ ચુકી છે. તો વેકસીનેશન માટે બીજા ડોઝની કામગીરી અમદાવાદ જિલ્લામાં 73% પૂર્ણ થઈ છે. અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાંથી ફક્ત 3 તાલુકામાં વેકસીનેશનની કામગીરી અન્ય તાલુકાની સરખામણીએ ઓછી થઈ રહી છે. જેમાં વેકસીનેશનની કામગીરીમાં વધારો થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લાના 3 તાલુકા જેમાં ધોળકા , ધંધુકા અને વિરમગામનો સમાવેશ થાય છે.ત્યાં ચોક્કસ સમાજના ગ્રામજનોમાં વેકસીનની ગેરમાન્યતાને કારણે રસીકરણ ઓછું થઈ રહ્યું છે.
કેટલાક તાલુકામાં ગ્રામજનો કામ ધંધે જતા હોવામાં કારણે વેકસીન લઇ શકતા નથી. જેને કારણે આવા વિસ્તારમાં રાત્રી વેકસીનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેનાથી વેકસીનેશનની કામગીરી વધુ ઝડપી કરી શકાય.
તાલુકા પ્રમાણે વેકસીનેશનની થયેલી કામગીરી
બાવળા – 84%, દસક્રોઈ – 119%, દેત્રોજ – 94%, ધંધુકા – 81%, ધોલેરા – 75%, ધોળકા – 71%, માંડલ – 107%, સાણંદ – 94%, વિરમગામ – 77% આ સાથે જ 30 સપ્ટેમ્બર પહેલા અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝનું વેકસીનેશન 100% થાય તે માટે અલગ અલગ ગામોના ફળિયામાં સ્પેશિયલ કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે. જેના માટે અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવી રહી છે.આ નોડલ અધિકારીઓ તેમના તાલુકામાં ક્યા ગામોમાં વેકસીનેશનની કામગીરી ઓછી થઈ રહી છે.અને તેના કારણો ક્યાં છે તે બાબતોનું નિરીક્ષણ કરશે અને સમસ્યાના નિરાકરણ લાવવાના પ્રયત્નો કરશે.
અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહિલાઓમાં વેકસીનેશનનું પ્રમાણ વધે તે માટે મહિલાઓના કાઉન્સિલિંગ માટેની વિશેષ ટિમ બનાવવામાં આવી છે. જે અલગ અલગ ગામોમાં જઈને મહિલાઓનું કાઉન્સિલિંગ કરીને મહિલાઓમાં વેકસીનેશન વધે તે માટેના પ્રયત્નો હાથ ધરશે.