સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીના વિશેષણોથી નવાજવામાં આવતાં હોય છે અને આવું જ કઇ ભરૂચમાં બન્યું છે. શહેરના ફાટાતળાવથી ગાંધી બજાર સુધીના રસ્તા તથા ગટરની કામગીરી શરૂ કરવામાં નહિ આવતાં સ્થાનિકોએ અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓ કહી ચકકાજામ કરી દીધો હતો.
ભરૂચ શહેરના ફાટાતળાવથી ફુરજા વિસ્તારમાં અનાજ કરિયાણા સહિત અનેક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. ભરૂચ શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી લોકો ખરીદી માટે ગાંધીબજાર, ફાટાતળાવ અને કતોપોર બજારમાં ખરીદી માટે આવે છે.
આ વિસ્તારમાં હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ હોવાથી નવો રસ્તો તથા ગટર બનાવવા માટે 3.28 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં છે.
રસ્તા અને ગટરનું કામ મંજુર થઇ ગયું હોવા છતાં કોન્ટ્રાકટરે કામગીરી શરૂ નહિ કરતાં વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે આ વિસ્તારમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
સ્થાનિક રહીશોએ થોડા દિવસો અગાઉ નગરપાલિકાના સત્તાધીશોને રસ્તાની કામગીરી શરૂ નહિ થાય તો ચકકાજામની ચીમકી આપી હતી. નગરપાલિકા સત્તાધીશોએ સ્થાનિકોની માંગણી તરફ ધ્યાન નહિ આપતા આખરે શુક્રવારના રોજ ચકકાજામ કરી દીધો હતો.