ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભાજપ બેકફુટ પર આવી જતાં હવે દલિત સંગઠનો મેદાનમાં આવ્યાં છે.
અમિત ચાવડા સામે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાની રાવ સાથે કેટલાક દલિત આગેવાનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.
ભરૂચ નગરપાલિકામાં નવી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખની બેઠક એસસી અનામત હતી. આ બેઠક પર વોર્ડ નંબર 8માંથી ચુંટાયેલા ધનજી ગોહિલ પ્રબળ દાવેદાર હોવા છતાં વોર્ડ નંબર 5માંથી સામાન્ય બેઠક પરથી ચુંટાયેલા અમિત ચાવડાને પ્રમુખ બનાવી દેવાયાં હતાં.
અમિત ચાવડાએ અભ્યાસ દરમિયાન પોતે દરજી હોવાનું ડીંડક ચલાવ્યું હતું પણ પાલિકા પ્રમુખ બનવા માટે એસસીનું પ્રમાણપત્ર લઇ આવ્યાં હોવાનો ગંભીર આક્ષેપ દીનેશ ખુમાણ નામના અરજદારે કર્યો હતો.
દિનેશ ખુમાણે કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટે અમિત ચાવડા સામે ખોટા પ્રમાણપત્ર રજુ કરવા સબબ ગુનો નોંધવા આદેશ કર્યો હતો.