સુરેન્દ્રનગર શહેરમાં પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં ન આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફાળો એકઠો કરી રસ્તા પરના મસમોટા ખાડાનું જાતે સમારકામ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે,
ત્યારે શહેરના શાકમાર્કેટ નજીકના મુખ્ય રસ્તા પર જ ઘણા દિવસથી મસમોટો ખાડો પડી ગયો હતો. પરંતુ તંત્ર દ્વારા સમારકામ ન કરાતા આમ આદમી પાર્ટીના કમલેશ કોટેચા, કનેશ સોલંકી, સતિષ ગમારા સહીતના કાર્યકરો દ્વારા ફાળો એકઠો કરી રસ્તાનું સમારકામ જાતે હાથ ધરી પાલિકા તંત્રની કામગીરી સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તો સાથે જ શહેરમાં જે વિસ્તારમાં બિસ્માર રસ્તાઓના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે,
ત્યાં તંત્ર દ્વારા સમારકામ કે, નવીનીકરણ કરવામાં નહીં આવે તો આવા દરેક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ પ્રકારે વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.