ખેડા જીલ્લામાં કોરોના મહામારીને અનુલક્ષીને નિયમોનું કડક પાલન થાય તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરાયો હતો, ત્યારે માસ્ક વગર ફરજ બજાવતા સરકારી કર્મચારી દંડને પાત્ર બન્યા હતા.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે અનેક માનવજીવોએ પોતાની અમુલ્ય જીંદગી ગુમાવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે આ મહામારીથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર વાપરવા પર ખાસ અનુરોધ કરેલ છે.
જેનાથી કોરોના મહામારીથી બચી શકાય છે. રાજ્ય સરકારે માસ્ક ન પહેરનાર નાગરીકો માટે દંડની જોગવાઇ કરેલ છે.
ખેડા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જિલ્લાના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરી કોરોના મહામારીથી સુરક્ષીત રહેવા અનુરોધ કરેલ છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે, દરેક સરકારી કચેરીમાં આ નિયમોનુ ચુસ્તપણે પાલન થાય તે પણ ખાસ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજે ખેડા જિલ્લાના ગ્રામ પંચાયતમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીને પણ કાયદાની જોગવાઇ અનુસાર દંડ ભરાવવામાં આવેલ હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.
જિલ્લાની કચેરીમાં કોરોનાના નિયમો કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શીકાનો ભંગ કરનાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.