સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ભયંકર રહી હતી.
જેના કારણે પુનઃ ધાર્મિક સ્થળોને બંધ કરવાની ફરજ પડી હતી.
ભરૂચ જિલ્લાનું સુપ્રસિદ્ધ વિશ્વ શાંતિ ઓસારા મંદિર પણ બંધ રહેતા ભક્તો મંદિરના પ્રવેશ દ્વાર નજીકથી જ દર્શન કરી વિલા મોઢે પરત ફરતા હતા.
જોકે, હવે કોરોના નહીવત થતાં જ મંદિર ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે,
ત્યારે પ્રથમ દિવસે જ ભક્તોએ સરકારની ગાઈડલાઈનના પાલન સાથે ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48થી 7 કિલોમીટરના અંતરે આવેલ ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું મંદિર સમગ્ર ગુજરાતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો પગપાળા પણ દર્શન અર્થે અહી આવતા હોય છે.
પરંતુ ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થતા તમામ મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા.
જેના કારણે દૂર દૂરથી દર્શનાર્થે આવતા ભક્તો મંદિર બંધ હોવાના કારણે મંદિરના પ્રવેશ દ્વાર નજીક બહાર ઊભા રહીને જ દર્શન કરી પરત ફરી રહ્યા હતા.