એન્કાઉન્ટરમાં પહેલેથી છેલ્લે સુધી અમીન અને વણઝારા સામેલ હતા : ઈશરતની માતા

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મુકવા અરજી કરી છે. જેની સુનાવણી પૂર્ણ થતા આજે કોર્ટે ચુકાદા માટે મુલતવી રાખી હતી. જો કે, ચુકાદો આવે તે પહેલાં જ ઇશરતની માતા સમીમાએ બન્નેની ડિસ્ચાર્જ અરજી સામે વાંધા અરજી કરી છે. જેમાં બન્ને પહેલાંથી અંત સુધી એન્કાઉન્ટરમાં સામેલ હોવાથી તેમને ડિસ્ચાર્જ ન કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અરજી પર 18મી જુલાઇના રોજ સ્પે. સીબીઆઇ કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાન્ડેય ડિસ્ચાર્જ થયા બાદ આ જ કેસમાં ડીજી વણઝારા અને એન.કે.અમીને પણ ડિસ્ચાર્જ થવા માટે સ્પે. સીબીઆઇ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવો બચાવ રજૂ કર્યો છે કે,સાક્ષીઓના નિવેદન જોતા આખીય કહાની અધિકારી સતિષ વર્મા અને સીબીઆઇએ મનઘડત રીતે ઊભી કરી છે, આ કેસમાં આરોપી અધિકારી અમીને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે, આ ઇનપુટ આઇબીએ પોલીસ કમિશનર કે.આર.કૌશિકને આપ્યા હતા.તે વખતે અમે ઉપલા અધિકારીઓની સૂચના મુજબ કામ કર્યું હતું, આ કેસમાં જે ચાર્જશીટ કરાઇ છે તે જોતા અમારી સામે કેસ પુરવાર થાય તેવા એક પણ પુરાવા નથી, આખું રાજકીય ષડયંત્ર છે ત્યારે હવે આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવો જોઇએ.

બીજી તરફ આજે ચુકાદો આવે તે પહેલાં જ ઇશરતની માતા સમીમાએ વાંધા અરજી રજૂ કરતા જણાવ્યું હતું કે, વણઝારા તે સમયે ડીસીપી હતા અને તેઓ ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી છે, જ્યારે અમીન ઘટનાસ્થળ પર હાજર હતા, તેમણે ખોટી રીતે ઇશરત સહિતના યુવકોનું અપહરણ કરાવ્યું હતું અને તેમને જ્યાં રાખવામાં આવ્યા હતા તે ખોડિયાર ફાર્મની તેમણે મુલાકાત લીધી હતી. તે અંગે સાક્ષીઓના નિવેદન છે, આખા ષડયંત્રમાં બન્નેની પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાના પુરતા પુરાવા સીબીઆઇએ કરેલી ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યા છે, સીબીઆઇએ કરેલી પુરવણી ચાર્જશીટ હજુ નીચલી કોર્ટમાં જ પડી છે તેથી તે ચાર્જશીટ આવે નહીં તે પહેલાં આ આરોપીઓને ડિસ્ચાર્જ ન કરવો જોઇએ, આરોપી સામે પ્રથમ દર્શિય કેસ બને છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીઓના નિવેદન પણ છે તેથી આવા આરોપીને ડિસ્ચાર્જ ન કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *