ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી પરીક્ષાનું મોડલ દેશના 29 રાજ્યોમાં જોવા મળશે. જેમાંથી 4 રાજ્યોમાં આ વર્ષથી તો બાકીના રાજ્યોમાં 2019 અને 2020 દરમિયાન લાગુ કરવામાં આવશે. યુપીએસસી દ્વારા દરેક રાજ્યની સિવિલ સર્વિસ માટેનું માળખુ સમાન હોવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે. જેમાં કેરળ,આંધ્ર-તેલગાંણા અને હિમાચલમાં આ વર્ષે જ જીપીએસસીનું માળખું લાગૂ થશે જ્યારે બાકીના રાજ્યોમાં 2019-20માં લાગૂ થતાં સમગ્ર દેશમાં ગુજરાત મોડલથી પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓનું આયોજન થશે.
ગુજરાત મોડલની પરીક્ષા પદ્ધતિ અપનાવવા માટે યુપીએસસી દ્વારા દરેક રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનને ભલામણ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષથી જ લાગુ કરાશે. જ્યારે કે બાકીના રાજ્યો આવનારા બે વર્ષ દરમિયાન લાગુ કરી શકે છે. સાથે જ થોડા રાજ્યોમાં બે વર્ષ પહેલા જ ફેરફાર કરાયા છે તો તેવા રાજ્યોમાં પણ વિચારણા બાદ ફેરફાર કરવામાં આવશે. જીપીએસસીની પારદર્શિતા, પરીક્ષા પદ્ધતિ, ટેકનોલોજી વગેરે બાબતોને કારણે આવનારા સમયમાં પરીક્ષા આપવા માટે ઉમેદવારોની સંખ્યા પણ વધી શકે છે.
દેશભરમાં એક સરખી પરીક્ષા પદ્ધતિ અને માળખા માટે સર્વસંમતિ સધાઈ
દેશની વિવિધ પરીક્ષા પદ્ધતિનું માળખું અને સિલેબસ અલગ હતા. સમગ્ર દેશમાં પરીક્ષામાં એકરૂપતા આવે તે હેતુથી યુપીએસસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી. આ કમિટી દ્વારા 29 રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પદ્ધતિ, ભરતી પ્રક્રિયા, ટેકનોલોજીનો ઉપયોગ વગેરેનો અભ્યાસ કરાયો હતો. દિનેશ દાસા કમિટી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને જાન્યુઆરી-2018માં ગોવા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો. ત્યારબાદ યુપીએસસી દ્વારા દરેક રાજ્યને આ મોડલ લાગુ કરવા માટે ભલામણ કરવામાં આવી.
GPSCમાં કુલ 1 હજાર માર્કની પરીક્ષા
જીપીએસસી દ્વારા પ્રિલિમનરી પરીક્ષામાં બે પેપર 200-200 ગુણના લેવાય છે. સાથે જ મુખ્ય પરીક્ષામાં 900 ગુણના ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ-1,2,3ના પેપર રહેશે. ત્યારબાદ 100 ગુણ વ્યક્તિત્વ કસોટીની હોય છે. સમગ્ર પરીક્ષા 1000 ગુણોની હોય છે.
UPSC મુજબનો અભ્યાસક્રમ બનશે
લોકતાંત્રિક હેતુ સિદ્ધ કરવા માટે અસરકાર બ્યુરોક્રસી અત્યંત આવશ્યક છે. યુવાનો રાજ્યની સનદી સેવા સાથે અખિલ ભારતીય સનદી સેવામાં જોડાવવાની તક પ્રાપ્ત કરી શકે તે માટે પ્રાદેશિક સેવા અને અખિલ ભારતીય સેવાની પસંદગી માટેની પરીક્ષા પદ્ધતિ તથા અભ્યાસક્રમ સરખો હોવો જરૂરી હતો. જે હવેથી શક્ય બનશે. દિનેશ દાસા, ચેરમેન જીપીએસસી
GPSCની વિશેષતા
-> ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે કયા ખંડમાં જવાનું છે તે છેલ્લા ઘડીએ ડ્રો દ્વારા જાણ કરાય છે
-> ઉમેદવારની જાતિ કે નામ ન જાહેર કરતા યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે
-> પરીક્ષાના દિવસે જ ઉમેદવારોની ઓએમઆર શીટ જાહેર કરવામાં આવે છે
-> એક જ વર્ષમાં પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે
-> ટ્વિટર મોબાઇલ એપ્લિકેશન જેવા ડિજિટલ માધ્યમોથી ઉમેદવારોને માહિતી આપવામાં આવે છે
બીજા રાજ્યોને પણ લાભ થશે
* આ મોડલ અપનાવવાથી બીજા રાજ્યોના વિદ્યાર્થીઓને શું અસર થશે?
બીજા રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રાદેશિક સેવાની તૈયારી સાથે નેશનલ લેવલ કોમ્પિટિશનનો પણ લાભ મળશે.
* જીપીએસસીની મેથડમાં ક્યારે સુધારા કરાયા હતા?
જીપીએસસી મેથડમાં 15 માર્ચ 2017માં ફેરફાર થયા
* ગુજરાતના ક્યા મુદ્દા બીજા રાજ્યોએ અપનાવ્યા?
200 માર્કસના બે પ્રિલિમનરી પેપરની સાથે પરીક્ષાની વિવિધ પદ્ધતિનો મુદ્દો બીજા રાજ્યો અપનાવશે.
* શું માર્કસમાં ફેરફાર થશે?
કુલ 1000 માર્કસની સમગ્ર પ્રક્રિયા રહેશે. પરંતુ રાજ્યો પોતાની રીતે ઇન્ટરનલ પેપરમાં માર્કસમાં ફેરફાર કરી શકે છે. (જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા સાથે થયેલી વાતચીત મુજબ)