ભરૂચમાં વધતો ક્રાઇમ રેટ ચિંતાજનક, ભેરસમ ગામ નજીક યુવાનની હત્યા. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું.
ભરૂચના દહેજ નજીક આવેલ વિલાયત જીઆઈડીસી પાસે ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી યુવાનની હત્યા કરવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટના નાંણા બાબતે યુવાનના મિત્રએ જ તેના સાળાની મદદથી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ ઓદ્યોગીક વિસ્તાર દહેજ ગતરોજ રક્ત રણજીત થયો હતો. ટૂંકા સમયગાળાની આસપાસ આ વિસ્તારમાં હત્યાના બે બનાવ સામે આવ્યા હતા જેમાં એક બનાવ દેરોલ નજીક બન્યો હતો તો બીજો બનાવ દહેજ નજીક આવેલ ભેરસમ ગામ નજીક બન્યો હતો.
વાગરાની સાયખા જીઆઈડીસી પાસે આવવારા માર્ગ પર એક યુવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં મૃતક યુવાન વાગરાના વિલાયત ગામનો 39 વર્ષીય અશ્વિન પટેલ હોવાનું બહાર આવ્યું હતું . પોલીસની તમામ ટીમ હત્યારાઓનું પગેરું શોધવા કામે લાગી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે આ મામલાનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો હતો.