દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે.
એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.
આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં 98થી 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડીગ્રી વધીને 39.0 ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં 0.4 ડીગ્રી વધીને 28.4 ડીગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.